ગુમરાહ : પિતા અને પુત્ર નાંં સબંધો ની લાગણી સભર વાર્તા

“વારંવાર ની ફરિયાદો છતા તમે પરેશ ને કશુ કહેતા નથી, આજે ત્રીજી વાર એના શિક્ષક નો ફોન આવ્યો છે કે પરેશ શાળા માં હાજર રહેતો નથી.”  એની મમ્મી એ મને સહેજ સખતાઈ થી કહ્યુ. પણ પરેશ રોજ ઘરે થી તો નિયમિત રીતે નિકળે જ છે તો પછી જાય છે ક્યાં ? એટલે આજે સવારે જ્યારે પરેશ સ્કૂલ જવા નિકળ્યો ત્યારે હું પણ એની પાછળ પાછળ ચાલ્યો.આગળના ચાર રસ્તા થી તો આણે સ્કૂલ થી અલગ જ  જંગલ જવા નો રસ્તો પક્ડ્યો. મન તો થયુ કે અહીં જ સાલા ને પકડીને બે લાફા ચોડી  શાળા એ લઈ જઉ.પણ વીચાર્યુ કે જોઇ તો જોઉં કે રાજકુમારે કઇ નવી શાળા માં એડમીશન લીધુ છે ?

ચાલતા ચાલતા અમે શહેર બહાર નીકળી ગયા.એ એની ધુન માં જ હતો, કોઇ પાછળ આવે છે એની કશીજ બીક એને ન હતી.એતો પગ થી કોઇ વાર રસ્તે પડેલા ડબ્બા કે પથરાને ઠેકડા મારતો, સીટી વગાડતો, કંઇક ગીત ગાતો આગળ જતો હતો. મદારીઓ ના ડેરા આગળ એ પહોંચ્યો કે પાંચ છ કુતરા ભસતા ભસતા એની નજીક લપક્યા.હું ગભરાયો.ક્યાંક મારા છોકરાને બચકુ ન ભરી લે ! પણ કુતરાઓ તો એની સાથે ગેલ કરવા લાગ્યા, એની પાસે જ બેસીને એના મોં ને ચાટવા લાગ્યા ને દુમ હલાવવા લાગ્યા.ખાસ્સી જુની મિત્રતા એણે આ રખડુ જંગલી કુતરાઓ સાથે બાંધી લીધી હોય એવું લાગ્યુ. હું ત્યાં જ એક ઝાડ ની પાછળ ઉભો હતો, ત્યાં તો મદારી ના એક છોકરાએ ચાર પાંચ સાપ એની ગળે લટકાવી દીધા.મારો તો શ્વાસ જ અધ્ધર થઈ ગયો.પણ એ સાપ તો પ્રેમ થી એના ગળા સાથે વીંટળાઇ વળ્યા.થોડી વાર માં એની પીઠ પાછળ થી સરકીને જતાં રહ્યા.મદારી ના છોકરા ની જેમ જ પરેશે પણ કઇંક પ્રેમ થી જાનવરો ને વશ કરવાની મોહીની સહજ શીખી લીધી છે એવુ લાગ્યુ. મારા દીકરા પર ગર્વ થયો પણ સાથે એમ પણ લાગ્યુ કે મોટો થઈને લોકો ને મદારીઓ ના ખેલ બતાવશે આ નાલાયક!

પછી પરેશ આગળ વધ્યો.નહેર ને કીનારે કેટલાક છોકરાઓ માછલીઓ પકડી રહ્યા હતા તે જોવા એ ઉભો રહ્યો. જોવામા એ એટલો મગ્ન હતો કે હું એની અડોઅડ જઇને ઉભો રહ્યો તોય એને ખબર ન પડી.એની આંખો મા ઉત્સુક્તા હતી,જીવન માટેનો અપાર પ્રેમ હતો.

એકાએક પરેશની નજર મારા પર પડી ને એનુ મોં પડી ગયું.એ થોડો ગભરાયો.આખરે કશું ન સુજ્યુ એટલે આંગળી ચીંધી એણે કહ્યુ, “પપ્પા, આ લોકો માછલી પકડી રહ્યા છે.”હું ય એની સાથે બેસી ગયો.કલાક વીતી ગયો.ન એની સ્કૂલ ની વાત નીકળી ન મારી ઓફિસ ની. ના મે એને પુછ્યું કે તુ સ્કૂલ ને બદલે અહીં કેમ આવ્યો છે ન એણે પુછ્યુ કે તમે office કેમ નથી ગયા? અમે મિત્રો ની જેમ અહીં ને તહીં ની હાંકતા રહ્યા. “ચાલો પપ્પા, નદીની પેલે પાર જઈએ”,એમ કહી એ બુટ ની દોરી છોડવા લાગ્યો. “ના બેટા, પગ પલળવાથી તને શરદી થશે.” એમ કહી મે એને મારી પીઠ પાછળ બેસાડયો.એણે એના હાથ મારા ગળે લપેટી લીધા.એની ચિંતા,ભય બધુ જ ગાયબ થઈ ગયુ. એ બોલ્યે જ જતો હતો.”પપ્પા નદીની પેલે પાર એક પત્થર ફોડો છે જે આખો દીવસ પત્થર ફોડયા જ કરે છે અને હા એક સ્વામીજી પણ છે.

નદી પાર કરી કે સામે જ સ્વામીજી મળ્યા, “તમારો છોકરો છે કે ?”

“હા”

“ઘણો ડાહ્યો ને ભોળો છે.તમારુ નામ રોશન કરશે”

આટલી વાત પર મને એટલી ખુશી થઈ કે ગર્વ ને ખુશી થી મારી આંખ ના કીનારા ભીંજાઈ ગયા. મે કોઇ જુએ ન એ રીતે રુમાલ થી આંખો લુછી લીધી.

નજીક મા થોડાંક ઝૂંપડા હતા. વાસણ માંજતી એક સ્ત્ર્રી એ કહ્યું “ઘણા દીવસે આવ્યો પરેશ!”

પરેશ એની નજીક જઈને લાડ મા બોલ્યો, “હા, માસી, આજે તો મારા પપ્પા પણ આવ્યા છે”.

પરેશ ની માસી અમને ચા પીવડાવવા માંગતા હતા પણ મે ના પાડી. આખી વાટ હું મનમાં પરેશ ને સ્કૂલ થી આમ ભાગી ન જવાય એમ કહેવા મથતો હતો પણ કોણ જાણે કેમ કશુજ કહી ન શક્યો.છેલ્લે નક્કી કર્યુ કે આજે નહી, કાલે કે પરમે સમજાવી દઇશ.

વરસાદે જોર કર્યુ અમે જેમતેમ ઘેર પહોંચ્યા. આંગણામા જ એની માં ધુવાપુવા થતી ઉભી હતી.એને મને ઉધડો જ લીધો. “આખો મહોલ્લો ઘુમી વળી, પહેલા તો બેટો જ ભાગતો હતો. હવે, બાપ પણ ભાગવા માંડ્યો કે શુ ?” કદાચ એને office થી ખબર મળી ગયા હશે કે હું ત્યાં નથી પહોંચ્યો.પરેશ મારી સોડ માં ભરાયો પણ જાણે મને એની સોડ માં લઇ લેવા ન માંગતો હોય! એને થતુ હશે કે એને કારણે જ પપ્પા ને સાંભળવું પડે છે.કદાચ મારા અંદર સુતેલા બેટા ને જાગ્રત થયેલો જોઇ એની ભીતર સુતેલો બાપ જાગી ગયો હશે.પળ બે પળ રહી એ બોલ્યો,પપ્પા હવે હું ડાહ્યો થઇને ભણીશ.

કેટલાય મહીના વીતી ગયા હવે એ નિયમિત સ્કૂલ જાય છે.પહેલા કેટલીય વાર એના શિક્ષકની અને એની મા ની ધમકીઓ ની કોઇ અસર એના પર થતી ન હતી. પણ, છેલ્લા પ્રસંગ ની એના પર ઘેરી અસર થઈ છે.એને થઈ ગયુ છે કે એના પાપા ને ઠપકા માથી બચાવવા એને સ્કૂલ જવુ જ જોઇએ.

બધા ખુશ છે, એના સહેબો ને આચાર્ય,એની માં ખુશ છે અને હુ પણ…. હા, પહેલા પહેલા મનેય ખુશી થઈ હતી,… પણ હવે…

રાતના નવ વાગી ચુક્યા છે.બારીમાથી વીજળી ચમકતી દેખાઈ રહી છે.આગીયા ઝબુકી રહ્યા છે. પરેશ પુસ્તકીયો કીડો હોય એમ ટેબલ લેમ્પ પાસે પુસ્તકો મા આંખો પરોવી રહ્યો છે. પણ મારા અંતર માં હલચલ મચી રહી છે. મારો છોકરો આવો પુસ્તકીયો કીડો બને એવુ હું પહેલા વીચારતો હતો પણ કઇંક  અલગ જ વીચારૂ છું. મન ને થાય છે કે એ નીશાળ માંથી ભાગી જાય ને હું office માંથી અને અમે બાપ બેટો આખી દુનિયાને અંગુઠો દેખાડી જંગલો માં ઘુમતા રહિયે. પણ આ વાત હું કોઇને કહી શક્તો નથી. પહેલા એ ગુમરાહ હતો હવે હુ ગુમરાહ થઈ રહ્યો છુ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *