Movie review : Hellaro : National film award for best feature film winner

દંભ – ઘમંડ  થી  મઢેલો  અને  વહેમ  અંધશ્રદ્ધા  ના  વાદળો  થી  ઘેરાયેલો  ગજબ  સમાજ  રચ્યો  છે  આપણે. સમાજની  એ વિચિત્રતા  ને  ધરાર  અરીસો  બતાવવાનું  કામ  કરી  આપ્યું  છે  અભિષેક  શાહ  અને  સૌમ્ય જોશી એ. અદભુત સંગીત, સરળ વાર્તા, સુંદર  કસાયેલ  અભિનય  અને  બે ( વાગ્યો રે ઢોલ અને અસવાર)  મસ્ત  મઝાના  ગીત  આટલું  પૂરતું  છે  આખા ફેમિલી  ને  મનોરંજન  સાથે  કશુંક  શીખવાડી  જવા  માટે.

જૂની બોલિવૂડ ફિલ્મો નો એક પ્રખ્યાત સંવાદ છે. અહીં હંમેશા મોટી માછલી નાની માછલી ને ખાઈ જાય છે. કુદરતે પણ કંઈ એવો જ ક્રમ કર્યો છે જયાં બળવાન પશુ પોતાના થી હીન પશુ પર હંમેશા સત્તા જમાવવા નો પ્રયત્ન કરે છે. જયાં વાઘ સિંહ જોડે બાથ નહિ ભીડે પણ નિર્દોષ, શક્તિવિહીન હરણા પર બહાદુરી જરુર બતાવશે.

એ પશુ છે. એને ભગવાને વિચારવાની ક્ષમતા નથી આપી. 

પણ આપણે શું છીએ ? નર પશુ!!!

આપણા સમાજ ની રચના માં પણ એજ છે,એજ શોષણ.એજ બળવાન નો નિર્દોષ પર અત્યાચાર. જયાં શેઠ નોકર નું શોષણ કરવા ને જ પોતાનો ધર્મ સમજે છે. પોતાની સામે પડેલી કોઈ વસ્તુ લેવા માટે પણ એ બહાર થી નોકરને જ બોલાવે છે. ઘર માં કામ કરવા આવતા કોઈ માજી ને માલીક નું નાનું ટાબરિયું પણ માન થી નથી બોલાવતું. ઊંચા આસન પર બેઠેલો કોઈ અધિકારી સામાન્ય માણસ ને ગલીચ કીડા જ ગણે છે કે જેમને ખુરશી કે પાણી ઓફર કરવાનું તો દૂર સીધા મોઢે વાત કરવાનું પણ સાહેબ ને કષ્ટ જેવું લાગી પડે છે. અને રસ્તે રઝળતા ભિખારીઓ કે મજૂરો તો કોઈ રીતે મનુષ્ય માં જ નથી એમ આપણે માનીએ છીએ.

આપણા માંથી કેટલા એવા લોકો હશે કે જેમને કોઈ મજૂર નું કે રસ્તા ના કોઈ ભિખારી નું નામ સુદ્ધાં એ પૂછ્યું હશે ?

અને આ બધા માં સૌથી વધારે રીબાતું ,ચગદાતુ  ને શોષિત થતું કોઈ હોય તો એ છે સ્ત્રીઓ. એ પછી પૈસા વાળાની સ્ત્રીઓ હોય કે ગરીબની . ભણેલાની હોય કે અભણની, કોઈ પણ જાતિ,ધર્મ, પ્રાંત, ગામડું કે શહેર આમાંથી બાકાત નથી. માં,બહેન,પત્ની કોઈ પણ સબંધ આ શોષણ થી અછુતું નથી.

એ શોષાતી, પુરુષ ના અહમ અને વહેમ વચ્ચે કચડાતિ અને તોય હસ્તે મો એ જીવતી કે પછી જીવવાનો પ્રયત્ન કરતી કચ્છ ના રણ ની કેટલીક સ્ત્રીઓ ની વાર્તા છે ‘હેલ્લારો’, નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ જીતેલી પહેલી ગુજરાતી ફિલ્મ.

વાત છે ૧૯૭૫ ના સમય ની જે સમયે શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારત ના પ્રધાન મંત્રી હતા.પણ, કચ્છ ના જે ગામ ની આ વાર્તા છે એ ગામ માં તો છોકરીઓ પ્રાથમિક ધોરણ ભણે તોય વધારે કેવાય. એમણે તો ઘરકામ કરવાનું, પાણી ભરવાનું ને મોં પર સજ્જડ ડૂચો મારી ને બેસવાનું. ભાઈ, બાપ કે પતિ આગળ ઊંચા અવાજે વાત તો દૂર. ખુલીને હસવાનું પણ નઈ. અને વિધવા ને તો પાણી ભરવાનો પણ અધિકાર નહિ.

કેવી વિચિત્રતા અને કેવા વિચિત્ર નિયમો કે સમાજ નો કોઈ એક જ વર્ગ સત્તા ભોગવે અને બાકીનાઓ ને મૂળભૂત અધિકારો થી પણ વંચિત રાખવા માં આવે. માં અંબા ને વરસાદ માટે કરગરવાનું પણ એ માં જેવી જ સ્ત્રીઓ ને માં ને રિઝવવા માટે ગરબા રમવા નઈ દેવાના. એમને ભૂખ્યા રહી ઉપવાસ કરવાંના.

એમના જીવન માં જીવન સિવાય બધું જ હતું.પાંજરા માં પુરાયેલા કોઈ પંખી કે સજા થયેલ કોઈ કેદી જેવા એમના જીવન માં એક જ રાહત હતી.સવાર નો પાણી ભરવાનો સમય. આ સમય માં જ એ ખુલીને હસી શકતા કે બોલી શકતા. એવા જ એક દિવસે પાણી ભરવા જતા કોઈ અજાણ્યા ઢોલી ને એ જુએ છે, મનમાં ગરબા રમવાની ઈચ્છા થાય છે. એ દિવસે તેઓ મન મૂકીને નાચે છે. એ દિવસ તેમના જીવન માં નવા રંગો લઇ ને આવે છે પછી તો શું ? રોજ સવારે પાણી ભરવા થી વધારે ગરબા રમવાની ઇંતેજારી હોય છે.

રોજ રોજ ગરબા રમવાની મઝા તો છે જ પણ સાથે કોઈને ખબર પડી જવાનો ડર પણ છે. અને એ દિવસ આવે છે જ્યારે ગામ ના પુરુષો ને આ વાત ની ખબર પડે છે. પછી!!!!

પછી, શું થશે એ માટે તો મૂવી જ જોવું રહ્યું.

ખુબ જ સરળ લાગતી વાર્તા ને ખુબ જ ચીવટ થી શણગારી છે. ડાયલોગ સરળ પણ દમદાર છે. એક બે ને છોડી ને બધાજ કલાકારો ખુબ જાણીતા ના હોવા છતાં દરેકે પાત્ર માં પ્રાણ રેડી દીધો હોય એવું લાગે છે.

ગીત અને ગીત ના શબ્દો મૂવી નું જમા પાસું છે. “વાગ્યો રે ઢોલ” અને “અસવાર” એક વખત સાંભળ્યા પછી રોજ સાંભળ્યા વગર ચેન ન પડે એવા છે. આ બે ગીતો પર અલગ થી લખવાની ઈચ્છા છે. એના શબ્દો એટલા ગહન અને સુંદર છે કે જેટલી વખત સાંભળશો અને સમજશો એટલી વખત મન માંથી આહ!! અને વાહ !!! નીકળશે એની ગેરંટી મારી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *